MSME Briefing Bureau

ઘરની વધતી કિંમત હવે માત્ર ખરીદનાર નહીં, MSMEના બેલેન્સ શીટને પણ અસર કરશે

દરરોજ સવારે અમદાવાદના સાણંદ, ચાંગોદર, બાવળા, નરોડા, કઠવાડા અને નરોલ તરફ હજારો કાર કે કંપનીની બસ દોડી રહી હોય છે. મોટાભાગની કારમાં બેઠેલા લોકો ઉદ્યોગપતિ નથી. તેઓ પ્લાન્ટ હેડ, પ્રોડક્શન મેનેજર, ક્વોલિટી હેડ, ડિઝાઇન એન્જિનિયર અને સિનિયર પ્રોફેશનલ્સ છે—એવા લોકો, જેમના વિના મશીનો ચાલતી નથી. પરંતુ એક સવાલ છે, જે કદાચ ગુજરાતના MSME ઉદ્યોગોએ હજુ ગંભીરતાથી પૂછ્યો નથી. આ બધા લોકો રોજ એટલા દૂરથી કેમ આવે છે?

વાર્તા ઘરની નથી… અંતરની છે

દસ વર્ષ પહેલાં અમદાવાદનો નકશો જુદો હતો.

ઉદ્યોગ પણ શહેરની બહાર હતો અને રહેણાંક વિસ્તારો પણ બહુ દૂર નહોતા. નરોડા, ઓઢવ, સરખેજ કે ચાંગોદર સુધી પહોંચવું આજ જેટલું મુશ્કેલ નહોતું.

પછી શહેર વધ્યું.

પછી ઉદ્યોગ વધ્યો.

પછી જમીનના ભાવ વધ્યા.

અને પછી ધીમે-ધીમે એક અદૃશ્ય અંતર ઊભું થયું.

ફેક્ટરીઓ શહેરથી દૂર જતી રહી… પરંતુ કુશળ માણસ ત્યાં ગયો નહીં.

કારણ કે માણસ માત્ર નોકરી કરતો નથી.

તે પોતાના બાળકો માટે સારી શાળા શોધે છે.

પત્નીની નોકરી વિચારે છે.

માતા-પિતાના હોસ્પિટલનું અંતર માપે છે.

સામાજિક જીવન પણ જુએ છે.

એટલે આજે એક સિનિયર મેનેજર માટે પ્રશ્ન માત્ર “ફેક્ટરી ક્યાં છે?” એટલો નથી.

પ્રશ્ન એ છે—“મારું જીવન ક્યાં છે?”

અમદાવાદ સમૃદ્ધ બન્યું… પણ તેની એક કિંમત છે

અમદાવાદે છેલ્લા બે દાયકામાં અસાધારણ વિકાસ કર્યો છે.

SG Highway, સિંધુ ભવન રોડ, ગિફ્ટ સિટીનો પ્રભાવ, બોપલ, શિલજ, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી અને નવા પશ્ચિમ અમદાવાદ અને પૂર્વમાં નવા નરોડા, વસ્ત્રાલ, નાના ચિલોડા, ઝુંડાલ, ચાંદખેડા —આ બધાએ શહેરને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.

બીજી તરફ ઉદ્યોગો સાણંદ, બાવળા, સાણથલ, ચાંગોદર, નરોડા, કઠવાડા, સાંતેજ અને ધોળકા તરફ વિસ્તર્યા છે.

બંને વિકાસ સાચા છે.

પરંતુ બંને વચ્ચેનું અંતર પણ વધ્યું છે.

આ અંતરનો હિસાબ કોઈ રિયલ એસ્ટેટ રિપોર્ટ આપતો નથી.

પરંતુ MSMEનો માલિક દર મહિને તેનો ખર્ચ ચૂકવે છે.

એક દિવસની મુસાફરી… આખા ઉદ્યોગનો ખર્ચ

કલ્પના કરો.

તમારી ફેક્ટરી સાણંદમાં છે.

તમે એક અનુભવી પ્લાન્ટ હેડની ભરતી કરો છો.

તે કહે છે…

“હું જોડાઈશ… પરંતુ મારા બાળકોની શાળા સાયન્સ સીટી રોડ પર છે. મારા માતા-પિતા ત્યાં રહે છે. પત્નીનું કાર્યસ્થળ પણ શહેરમાં છે. હું સાણંદમાં રહેવા આવી શકું એમ નથી.”

દરરોજ 40 થી 50 કિલોમીટરનું આવન-જાવન શરૂ થાય છે.

શરૂઆતમાં બધું સારું લાગે છે.

છ મહિના પછી…

તે વધુ પગાર માંગે છે.

ટ્રાન્સપોર્ટ ભથ્થું માંગે છે.

ક્યારેક હાઇબ્રિડ કામ માંગે છે.

ક્યારેક નોકરી બદલી દે છે.

પ્રશ્ન એ નથી કે કર્મચારી બદલાયો.

પ્રશ્ન એ છે કે જમીનની કિંમત હવે તમારા HR બજેટમાં પ્રવેશી ગઈ છે.

Knight Frankના આંકડા માત્ર રિયલ એસ્ટેટ વિશે નથી

તાજેતરના Knight Frank India H1 2026 અહેવાલમાં એક મહત્વનો સંકેત છે.

દેશના આઠ મોટા શહેરોમાં વેચાયેલા ઘરોમાંથી 54 ટકા ઘરોની કિંમત હવે ₹1 કરોડથી વધુ છે. એક વર્ષ પહેલાં આ આંકડો 49 ટકા હતો.

તે જ સમયે ₹50 લાખથી ઓછા ભાવના ઘરોનું વેચાણ 15 ટકા ઘટ્યું છે.

આનો અર્થ માત્ર એટલો નથી કે ઘર મોંઘાં બન્યાં છે.

ખરો અર્થ એ છે કે ફેક્ટરી અને કુશળ માણસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.

આજે અમદાવાદ… કાલે સુરત, વડોદરા અને રાજકોટ

આજે આ ચર્ચા અમદાવાદ વિશે લાગે છે.

પરંતુ સુરતમાં સચિન, પાંડેસરા અને હઝીરા, કડોદરા, પલસાણા, કિમ -પીપોદ્રા વડોદરામાં મકરપુરા, વાઘોડિયા, પોર, નંદેસરી અને સાવલી, જ્યારે રાજકોટમાં શાપર-વેરાવળ, પીપરડી, માખાવડ, બામણબોર, કોટડા, નાગલપર અને મેટોડા તરફ પણ એ જ દિશામાં વિકાસ થઈ રહ્યો છે.

શહેર સમૃદ્ધ બનશે.

જમીન મોંઘી બનશે.

રહેણાંક વધુ દૂર જશે.

અને પછી એ જ પ્રશ્ન ઊભો થશે—

શું સિનિયર મેનેજર પોતાના પરિવાર સાથે ઔદ્યોગિક વિસ્તારની બાજુમાં રહેવાનું પસંદ કરશે?

જો જવાબ ‘ના’ હશે…

તો ખર્ચ ઉદ્યોગે જ ચૂકવવાનો રહેશે.

આવતીકાલનો સૌથી મોટો ખર્ચ કદાચ સ્ટીલ નહીં હોય

ગુજરાતનો MSME આજે સ્ટીલના ભાવ ગણે છે.

કોપર ગણે છે.

પ્લાસ્ટિક ગણે છે.

વીજળી ગણે છે.

પરંતુ એક ખર્ચ હજુ કોઈ ગણતો નથી.

અંતર.

અંતરથી સમય વધે છે.

સમયથી થાક વધે છે.

થાકથી નોકરી બદલાય છે.

નોકરી બદલાય તો ભરતીનો ખર્ચ વધે છે.

ભરતીનો ખર્ચ વધે તો ઉત્પાદન મોંઘું બને છે.

અને આ બધાની શરૂઆત ક્યાંથી થઈ?

ઘરની વધતી કિંમતોમાંથી.

આ લેખ ઘર વિશે નથી… ગુજરાતના ઉદ્યોગ વિશે છે

આજે ચર્ચા “Affordable Housing”ની લાગે છે.

પરંતુ હકીકતમાં ચર્ચા Industrial Competitivenessની છે.

જો કુશળ માણસને ફેક્ટરીની નજીક ઘર નહીં મળે…

તો MSMEને વધુ પગાર આપવો પડશે.

વધુ સુવિધા આપવી પડશે.

વધુ સમય ગુમાવવો પડશે.

અને અંતે…

વધુ ખર્ચ સહન કરવો પડશે.

ગુજરાતની સૌથી મોટી તાકાત માત્ર ઉદ્યોગ નથી.

ગુજરાતની સૌથી મોટી તાકાત ઉદ્યોગ ચલાવનારા લોકો છે.

જો એ લોકો શહેર અને ફેક્ટરી વચ્ચે દરરોજ વધુ દૂર થતાં જશે, તો તેની અસર માત્ર એક પરિવાર પર નહીં પડે.

તેની અસર સમગ્ર ઉત્પાદન વ્યવસ્થા પર પડશે.

સંપાદકીય દૃષ્ટિકોણ

ગુજરાતનાં શહેરો સમૃદ્ધ થઈ રહ્યાં છે.

આ સારા સમાચાર છે.

પરંતુ દરેક સમૃદ્ધિની એક કિંમત હોય છે.

આજે એ કિંમત જમીનની છે.

કાલે કદાચ એ કિંમત કુશળ માણસની હશે.

અને જે દિવસે ગુજરાતના MSME માલિકને એક સારો પ્લાન્ટ હેડ રાખવા માટે માત્ર વધુ પગાર નહીં, પરંતુ તેની મુસાફરી, જીવનશૈલી અને રહેણાંકનો પણ ખર્ચ વિચારવો પડશે…

તે દિવસે સમજાશે કે સૌથી મોટો ખર્ચ કાચા માલનો નહોતો.

સૌથી મોટો ખર્ચ હતો—ફેક્ટરી અને માણસ વચ્ચે વધતું અંતર.

કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે રિયલ એસ્ટેટને માત્ર મિલકત તરીકે નહીં, પરંતુ ગુજરાતના ઉદ્યોગોના ભવિષ્યના ખર્ચ તરીકે જોવાનું શરૂ કરીએ.

Leave a Reply

I’m Haresh

Journalist: 38 years
Former Financial Express
Founder, MSME Briefing

MSME Briefing exists because India’s 63 million MSME business deserve serious analysis – not footnotes in mainstream business media.

Let’s connect

Discover more from MSME Briefing

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading