MSME Briefing Bureau

સિક્કિમની સફળતાથી ગુજરાતના સર્ટિફિકેશન સુધી, ગ્રાહક શું તપાસે?

ઓર્ગેનિક ખોરાક માટે ગ્રાહકો વધુ કિંમત ચૂકવે છે, કારણ કે તેઓ ખેતીની પદ્ધતિ અને ઉત્પાદનની વિશ્વસનીયતા પર ભરોસો રાખે છે. પરંતુ પેકેટ પરનું લેબલ શું ખરેખર એટલી ખાતરી આપે છે? સિક્કિમે વર્ષોની નીતિ અને આયોજનથી સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય બનવાનો માર્ગ અપનાવ્યો. બીજી તરફ, ગુજરાતમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ નોંધાયેલી જમીન અને રાસાયણિક ખાતર-જંતુનાશકોના વપરાશ—બંનેના આંકડા છે. તો પ્રમાણપત્ર શું સાબિત કરે છે, તેની તપાસ કોણ કરે છે અને ગ્રાહક કેવી રીતે ખાતરી કરે?

ઓર્ગેનિક એટલે ખરેખર શું?

ઓર્ગેનિક ખેત પેદાશ એટલે, એ પેદાશ ઉત્પાદિત- ઉગવતા સમયે રાસાયણીક ખાતર કે પેસ્ટીસાઇડસનો ઉપયોગ થયો નથી. એટલું જ નહી, છેલ્લા ત્રણ વર્ષથી તે ખેતરમાં પાક લેતા સમયે રાસાયણીક ખાતર કે પેસ્ટીસાઇડ્સ વપરાયા નથી. માત્ર ઓર્ગેનિક બિયારણ થી જ ખેતી થઇ હોવી જોઇએ, જીનેટીકલી મોડીફાઇડ બિયારણ પણ ચાલે નહી. સંપૂર્ણ તહ જૈવિક પધ્ધતિ થી ખેતી થઇ હોવી જોઇએ. અગર બાજુના ખેતરમાં વપરાતા હોય તો તેની અસર થઇ શકે છે, તેથી એક બફર ઉભૂ કરવુ પડે છે જેથી આજુબાજુના ખેતરો કે જેમાં રાસાયણીક ખાતર કે પેસ્ટીસાઇડસ વપરાયા હોય તેની કોઇ પણ અસર જૈવિક પેદાશ કરતાં ખેતર પર થઇ શકે નહી.

ઓર્ગેનિક ખોરાક અંગે ગ્રાહકોમાં વધતી જાગૃતિની સાથે બજારમાં અનેક પ્રકારના દાવા પણ જોવા મળે છે. કોઈ ઉત્પાદનને ઓર્ગેનિક, કોઈને નેચરલ, તો કોઈને ફાર્મ-ફ્રેશ અથવા કેમિકલ-ફ્રી તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ આ શબ્દોનો અર્થ એકસરખો નથી.

ઓર્ગેનિક હોવાનો દાવો અને પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદન—બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

ભારતમાં ઓર્ગેનિક ખાદ્યપદાર્થો માટે મુખ્યત્વે બે માન્ય પ્રમાણન વ્યવસ્થાઓ છે:

  • નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન (NPOP): APEDA સાથે સંકળાયેલી આ વ્યવસ્થામાં માન્યતા પ્રાપ્ત પ્રમાણન સંસ્થાઓ દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર નિરીક્ષણ અને પ્રમાણન થાય છે.
  • પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ (PGS-India): આ વ્યવસ્થા ખેડૂતોના જૂથો અને સહભાગી મૂલ્યાંકન પર આધારિત છે.

FSSAIના Food Safety and Standards (Organic Foods) Regulations, 2017માં બંને વ્યવસ્થાઓને માન્યતા આપવામાં આવી છે. આ નિયમોના અમલની શરૂઆત 1 જુલાઈ, 2018થી થઈ હતી. સ્રોત: FSSAI

અહીં એક મહત્ત્વની વાત સમજવી જોઈએ: પ્રમાણપત્ર એટલે નિર્ધારિત ઓર્ગેનિક ઉત્પાદન પદ્ધતિઓ અને સંબંધિત નિયમોનું પાલન થતું હોવાનો આધાર. તે દરેક ખાદ્યપદાર્થમાં દરેક સંભવિત રાસાયણિક અવશેષની ગેરહાજરીની સંપૂર્ણ ગેરંટી નથી.

સિક્કિમની સફર: જાહેરાત નહીં, વર્ષોની મહેનત

ભારતમાં ઓર્ગેનિક ખેતીની ચર્ચા કરતી વખતે સિક્કિમનું ઉદાહરણ ખાસ મહત્ત્વ ધરાવે છે. આ રાજ્યએ માત્ર ઓર્ગેનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જાહેરાત નહોતી કરી, પરંતુ સમગ્ર કૃષિ વ્યવસ્થાને બદલવા માટે લાંબા ગાળાની નીતિ અપનાવી હતી.

India’s First Fully-Organic State Faces Many Challenges to Maintaining its Status

સિક્કિમ વિધાનસભાએ 2003માં રાજ્યને સંપૂર્ણ ઓર્ગેનિક બનાવવાની દિશામાં ઠરાવ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે ઓર્ગેનિક ખેતી માટેની નીતિ, ખેડૂતોને તાલીમ, જૈવિક ખાતરોનો ઉપયોગ અને રાસાયણિક ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લીધાં. ત્યાં ની રાજ્ય સરકારે રાસાયણીક ખાતર ની ખરીદી પર જ પ્રતિબંધ મૂક્યો હતો, તેની જગ્યાએ સ્થાનીક કક્ષા 40,000 વર્મી કમ્પોસ્ટ, દેશી ખાતર ના એકમો તૈયાર કર્યા.

2010માં સિક્કિમ ઓર્ગેનિક મિશન શરૂ કરવામાં આવ્યું. 2015 સુધીમાં રાજ્યની સમગ્ર કૃષિ જમીનને પ્રમાણિત ઓર્ગેનિક ખેતી હેઠળ લાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું સરકારી દસ્તાવેજોમાં જણાવાયું છે. 2016માં સિક્કિમને ભારતનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય જાહેર કરવામાં આવ્યું. સ્રોત: ભારત સરકાર

આ પરિવર્તનમાં ખેડૂતોને તાલીમ આપવી, ઓર્ગેનિક ઇનપુટ્સ અંગે જ્ઞાન આપવું, પ્રમાણન પ્રક્રિયા ઊભી કરવી અને બજાર સુધી પહોંચ વિકસાવવી—આ બધાં પાસાં મહત્ત્વનાં હતાં.

સિક્કિમનો અનુભવ એ પણ દર્શાવે છે કે ઓર્ગેનિક ખેતી તરફનું પરિવર્તન માત્ર ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દેવાનો નિર્ણય નથી. તેની સાથે ઉત્પાદન પદ્ધતિ, ખેડૂતોની ક્ષમતા, બજાર વ્યવસ્થા અને પ્રમાણનનું માળખું પણ બદલવું પડે છે.

જોકે સિક્કિમની સફળતાને માત્ર રાજ્યની જાહેરાતથી માપવી પૂરતી નથી. ખેડૂતોની આવક, ઉત્પાદનક્ષમતા, બજારભાવ અને લાંબા ગાળાની આર્થિક સદ્ધરતા અંગેના પરિણામો પણ તપાસવા જરૂરી છે.

સિક્કિમનો દાખલો ગુજરાત માટે મહત્ત્વનો સવાલ ઊભો કરે છે: ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા માટે માત્ર કેટલા હેક્ટર પ્રમાણિત થયા તે નહીં, પરંતુ ખેડૂતો અને ગ્રાહકોને તેનો વાસ્તવિક લાભ કેટલો મળ્યો તે પણ માપવું જોઈએ.

ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ કેટલું?

APEDAના NPOP હેઠળના 2024–25ના આંકડા ગુજરાતની ઓર્ગેનિક ખેતીની સ્થિતિ સમજવા માટે મહત્ત્વનો આધાર પૂરો પાડે છે.

ગુજરાતની જમીનવિસ્તાર
પ્રમાણિત ઓર્ગેનિક ખેતી હેઠળની જમીન1,92,940.85 હેક્ટર
ઓર્ગેનિક ખેતી તરફ પરિવર્તન હેઠળની જમીન2,44,092.15 હેક્ટર
કુલ નોંધાયેલ વિસ્તાર4,37,033 હેક્ટર

સ્રોત: APEDA — NPOP Organic Certification Data 2024–25

આ આંકડાઓને સમજવામાં એક મહત્ત્વની સાવચેતી જરૂરી છે. 4.37 લાખ હેક્ટરનો સમગ્ર વિસ્તાર સંપૂર્ણ પ્રમાણિત ઓર્ગેનિક જમીન નથી. તેમાં આશરે 1.93 લાખ હેક્ટર પ્રમાણિત ઓર્ગેનિક વિસ્તાર છે, જ્યારે આશરે 2.44 લાખ હેક્ટર જમીન પરિવર્તન હેઠળ છે.

એટલે જ કોઈ રાજ્યમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન હેઠળ નોંધાયેલ કુલ જમીનના આંકડાને રાજ્યની સમગ્ર ખેતી ઓર્ગેનિક બની ગઈ હોવાના પુરાવા તરીકે રજૂ કરી શકાય નહીં.

આ ઉપરાંત, આ APEDAના NPOPના આંકડા છે. તેને PGS-India સહિતની તમામ વ્યવસ્થાઓના સંયુક્ત આંકડા તરીકે રજૂ કરવું યોગ્ય નહીં બને.

શું ગુજરાતના તમામ એરંડા, કપાસ, જીરું અને કેરી ઓર્ગેનિક છે?

ના. અને આ જ તફાવત ગ્રાહક તથા વેપારી બંનેએ સમજવો જરૂરી છે.

ગુજરાતમાં એરંડા, કપાસ, મગફળી, તલ, જીરું, ધાણા અને કેરી જેવી અનેક કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે. પરંતુ રાજ્યમાં કોઈ પાકનું પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદન નોંધાયું હોય તો તેનો અર્થ એ નથી કે તે પાકનું રાજ્યભરમાં થતું તમામ ઉત્પાદન ઓર્ગેનિક છે.

ઉદાહરણ તરીકે:

  • કોઈ ચોક્કસ તાલુકામાં કોઈ ખેડૂતનું ખેતર પ્રમાણિત હોય તો તેનાથી આખા તાલુકાની તમામ ખેતી પ્રમાણિત થતી નથી.
  • કોઈ કંપની અથવા ખેડૂત જૂથને ચોક્કસ પાક અને નિર્ધારિત વિસ્તાર માટે પ્રમાણપત્ર મળ્યું હોય તો તે અન્ય ખેડૂતોના ઉત્પાદનને આપમેળે આવરી લેતું નથી.
  • કોઈ કંપનીનું ઓર્ગેનિક મગફળીનું ઉત્પાદન પ્રમાણિત હોય તો તેની તમામ મગફળી, અન્ય ઉત્પાદનો અથવા અન્ય સ્થળે આવેલી ફેક્ટરીનું ઉત્પાદન પણ પ્રમાણિત છે એવું માની શકાય નહીં.
  • કોઈ પ્રમાણિત ઓર્ગેનિક કેરીના બગીચાનો અર્થ એ નથી કે એ જ વિસ્તારમાં વેચાતી દરેક કેરી ઓર્ગેનિક છે.

પ્રમાણપત્રની માન્યતા સંબંધિત ખેતર, ખેડૂત અથવા ઓપરેટર, ઉત્પાદન અને પ્રમાણપત્રમાં દર્શાવેલા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે.

એટલે ગ્રાહકે માત્ર “ગુજરાતી ઓર્ગેનિક મગફળી” કે “ઓર્ગેનિક ગીર કેસર કેરી” જેવા માર્કેટિંગ દાવાથી સંતુષ્ટ થવું નહીં. શક્ય હોય ત્યાં સુધી પ્રમાણપત્ર કોના નામે છે, કયા ઉત્પાદન માટે છે અને કયા સમયગાળા માટે માન્ય છે તે તપાસવું જોઈએ.

B2B ખરીદદારો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે: સપ્લાયર પાસે એક ઓર્ગેનિક પ્રમાણપત્ર હોય એટલે તેની પાસેથી ખરીદવામાં આવતી દરેક કોમોડિટી પ્રમાણિત છે એવું માનવું જોખમી છે. ખરીદાતા કંપનીએ ચોક્કસ ઉત્પાદન, સપ્લાય ચેઇન અને લાગુ પડતા ટ્રેસેબિલિટી દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈએ.

એક તરફ રાસાયણિક ખાતર, બીજી તરફ ઓર્ગેનિક પ્રમાણપત્ર

ગુજરાતના ઓર્ગેનિક ક્ષેત્રની વિશ્વસનીયતા સમજવા માટે રાજ્યના કૃષિ ઇનપુટ્સના વપરાશને પણ જોવો જરૂરી છે.

ઉપલબ્ધ સત્તાવાર આંકડા અનુસાર, 2023–24માં ગુજરાતમાં રાસાયણિક પેસ્નોટીસાઇડસ વપરાશ આશરે 1,835 મેટ્રિક ટન ટેક્નિકલ-ગ્રેડ હતો. સ્રોત: રાસાયણિક અને પેટ્રોકેમિકલ આંકડા

એ જ વર્ષે ગુજરાતમાં રાસાયણીક ખાતર વપરાશ આશરે 30.54 લાખ મેટ્રિક ટન નોંધાયો હતો. અહીં આંકડો ખાતરના પોષક તત્ત્વોનો છે, તૈયાર ખાતરના કુલ વજનનો નહીં. સ્રોત: Fertiliser Association of India

આ આંકડા ગુજરાતમાં રાસાયણિક ઇનપુટ્સનો નોંધપાત્ર વપરાશ દર્શાવે છે. પરંતુ તેનાથી એકલા એ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં કે પ્રમાણિત ઓર્ગેનિક ખેતરોમાં પણ પ્રતિબંધિત રસાયણો વપરાય છે.

કારણ સ્પષ્ટ છે: ગુજરાતમાં પરંપરાગત ખેતી અને પ્રમાણિત ઓર્ગેનિક ખેતી એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

તેથી તપાસનો મુદ્દો માત્ર રાસાયણિક ખાતર કે જંતુનાશકોના કુલ વપરાશનો નથી. સાચા પ્રશ્નો આ છે:

  • પ્રમાણિત ખેતરોની ઓળખ અને સીમાઓ કેવી રીતે નક્કી થાય છે?
  • બાજુના ખેતરમાંથી જંતુનાશકનો છંટકાવ થઈને રસાયણો પ્રમાણિત ખેતર સુધી પહોંચે તો શું થાય?
  • પ્રતિબંધિત ઇનપુટ્સનો ઉપયોગ થયો હોવાની શંકા હોય તો તેની તપાસ કેવી રીતે થાય?
  • કેટલા નમૂનાઓનું લેબોરેટરી પરીક્ષણ થાય છે?
  • ઉલ્લંઘન સાબિત થાય તો પ્રમાણપત્ર સ્થગિત કે રદ કરવાની પ્રક્રિયા શું છે?

આ સવાલોનો જવાબ સરકારી આંકડાઓથી જ નહીં, પરંતુ પ્રમાણન સંસ્થાઓના નિરીક્ષણ અહેવાલો, પરીક્ષણનાં પરિણામો અને અમલીકરણના રેકોર્ડથી મળવો જોઈએ.

ઓર્ગેનિક પ્રમાણપત્ર કાયમી નથી

ઓર્ગેનિક પ્રમાણપત્રને એક વખત મળેલું કાયમી ગુણવત્તા ચિહ્ન માનવું યોગ્ય નથી. ઓર્ગેનિક ખેતીમાં સતત નિયમપાલન અને સંબંધિત વ્યવસ્થા મુજબ સમયાંતરે મૂલ્યાંકન તથા નવીનીકરણ જરૂરી છે.

NPOP હેઠળ વાર્ષિક નિરીક્ષણની જોગવાઈ છે. PGS-Indiaમાં પણ સમયાંતરે પીઅર મૂલ્યાંકન અને નિર્ધારિત ચકાસણીની પ્રક્રિયા છે. જોકે દરેક પ્રમાણપત્રની ચોક્કસ માન્યતા અવધિ એકસરખી હોય છે એવું નિયમો તપાસ્યા વિના કહેવું યોગ્ય નહીં બને.

નિરીક્ષણ દરમિયાન સંબંધિત રેકોર્ડ, ખેતરમાં વપરાતા ઇનપુટ્સ, ઉત્પાદન અને વેચાણની વિગતો તથા લાગુ પડતી અન્ય શરતોની તપાસ થઈ શકે છે.

પરંતુ અહીં મુખ્ય સવાલ એ છે કે નિયમો કાગળ પર હોવા અને તેમનું અસરકારક પાલન થવા વચ્ચે કેટલો તફાવત છે.

ગુજરાતમાં વર્ષ દરમિયાન કેટલાં નિરીક્ષણો થયાં? કેટલાં પ્રમાણપત્રોનું નવીનીકરણ થયું? કેટલાં સ્થગિત કે રદ કરાયાં? કેટલાં કેસમાં ઉલ્લંઘન મળ્યું? આ માહિતી જાહેરમાં ઉપલબ્ધ હોય તો ગ્રાહકો અને વેપારીઓ માટે પ્રમાણન વ્યવસ્થાની વિશ્વસનીયતા આંકવી વધુ સરળ બને.

થર્ડ પાર્ટી ઇન્સપેક્શન: શું સિસ્ટમ સંપૂર્ણપણે ભરોસાપાત્ર છે?

NPOP હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રમાણન સંસ્થાઓ નિરીક્ષણ અને પ્રમાણનની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નિયમોમાં નિરીક્ષકોની યોગ્યતા, હિતસંઘર્ષ ઘટાડવા અને નિરીક્ષકોની નિમણૂક અંગેની જોગવાઈઓ છે.

પરંતુ કોઈ વ્યવસ્થામાં નિયમો હોવાનો અર્થ એ નથી કે તેમાં ભૂલ થવાની શક્યતા જ નથી.

તેથી નીચેના પ્રશ્નો તપાસવા જરૂરી છે:

1. નિરીક્ષણની આવૃત્તિ અને વ્યાપ

દરેક પ્રમાણિત ઓપરેટરનું નિરીક્ષણ ક્યારે થાય છે? જોખમ આધારિત અથવા અચાનક તપાસ કયા સંજોગોમાં થાય છે? ખેડૂત જૂથોમાં વ્યક્તિગત ખેતરોની ચકાસણી માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે?

2. હિતસંઘર્ષ સામેના રક્ષણો

પ્રમાણન સંસ્થા અને નિરીક્ષકની સ્વતંત્રતા જાળવવા કયા નિયમો છે? ફરિયાદ આવે તો તેની તપાસ કોણ કરે છે?

3. લેબોરેટરી પરીક્ષણ

કેટલા નમૂનાઓ લેવામાં આવે છે? કયા રસાયણોની તપાસ થાય છે? પરીક્ષણમાં કોઈ પ્રતિબંધિત પદાર્થ મળે તો આગળની કાર્યવાહી શું થાય છે?

4. પ્રમાણપત્ર સ્થગિત કે રદ કરવાની કાર્યવાહી

કેટલાં પ્રમાણપત્રો સ્થગિત થયાં, કેટલાં રદ થયાં અને કેટલાં ઓપરેટરોને સુધારાત્મક પગલાં લેવા જણાવાયું—આવા આંકડા પારદર્શક રીતે ઉપલબ્ધ હોવા જોઈએ.

અહીં એ પણ સમજવું જરૂરી છે કે લેબોરેટરીમાં કોઈ રસાયણ ન મળવું એ એકલા ઓર્ગેનિક ખેતીનો પુરાવો નથી. તે માત્ર ચોક્કસ નમૂનામાં, ચોક્કસ પરીક્ષણની મર્યાદામાં, તપાસવામાં આવેલા પદાર્થ અંગેનું પરિણામ છે. એ જ રીતે, કોઈ અવશેષ મળે તો તેના આધારે નિર્ણય લેતાં પદાર્થ, માત્રા, નમૂનાની વિશ્વસનીયતા અને લાગુ ધોરણો જોવાં જરૂરી છે.

આથી તૃતીય-પક્ષ પ્રમાણનને આપમેળે સંપૂર્ણ વિશ્વસનીય અથવા સંપૂર્ણ અવિશ્વસનીય ગણવાને બદલે તેના વાસ્તવિક કામગીરીના પુરાવા તપાસવા જોઈએ.

ખેતરથી બજાર સુધી: શું ઉત્પાદનને ટ્રેસ કરી શકાય છે?

ઓર્ગેનિક ઉત્પાદનની વિશ્વસનીયતા માત્ર ખેતરનું પ્રમાણપત્ર હોવા પર આધારિત નથી. કાપણી પછી સંગ્રહ, પ્રક્રિયા, પેકિંગ, પરિવહન અને વેચાણ દરમિયાન પણ ઉત્પાદનની ઓળખ અને અલગાવ જળવાવા જોઈએ.

NPOP હેઠળ લાગુ પડતા કિસ્સાઓમાં Scope Certificate અને Transaction Certificate જેવા દસ્તાવેજો તથા TraceNet જેવી વ્યવસ્થા ટ્રેસેબિલિટીમાં મદદ કરે છે. PGS-Indiaમાં પણ તેની પોતાની ટ્રેસેબિલિટી વ્યવસ્થા છે.

પરંતુ દરેક સ્થાનિક વેચાણ અથવા દરેક છૂટક પેકેટ માટે એકસરખી રીતે Transaction Certificate જરૂરી છે એવું માનવું યોગ્ય નથી; તે લાગુ પડતી વ્યવસ્થા અને વ્યવહાર પર આધારિત છે.

ખરીદદાર કંપનીએ તપાસવું જોઈએ કે સપ્લાયરે જે જથ્થો ઓર્ગેનિક તરીકે વેચ્યો છે, તે પ્રમાણિત ઉત્પાદન, ખરીદી, સંગ્રહ અને વેચાણના રેકોર્ડ સાથે સુસંગત છે કે નહીં.

આ બાબત ખાસ કરીને ઓર્ગેનિક કપાસ, એરંડા, મગફળી, જીરું, ધાણા અને અન્ય કૃષિ કોમોડિટીના પ્રોસેસર, નિકાસકાર અને મોટા ખરીદદારો માટે મહત્ત્વની છે. ખોટી ચકાસણી માત્ર ગ્રાહકનો વિશ્વાસ જ નહીં, પરંતુ કંપનીની સપ્લાય ચેઇન અને બજાર પ્રતિષ્ઠાને પણ જોખમમાં મૂકી શકે છે.

FSSAI, APEDA અને પ્રમાણન સંસ્થાઓ: જવાબદારી કોની?

ઓર્ગેનિક ખાદ્યપદાર્થોની વ્યવસ્થામાં જુદી જુદી સંસ્થાઓની ભૂમિકા છે. APEDA/NPOP અને માન્યતા પ્રાપ્ત પ્રમાણન સંસ્થાઓ NPOP હેઠળના પ્રમાણન અને નિરીક્ષણમાં કામ કરે છે. PGS-India પોતાની સહભાગી મૂલ્યાંકન પદ્ધતિથી કાર્ય કરે છે. FSSAI લાગુ પડતા ખાદ્ય સલામતી અને ઓર્ગેનિક ખાદ્યપદાર્થોના નિયમોનું અમલીકરણ કરે છે.

આથી ગ્રાહકની ફરિયાદ આવે ત્યારે માત્ર લેબલ તપાસવું પૂરતું નથી. ફરિયાદ કોણ નોંધે છે, ખેતર કે ઓપરેટરની તપાસ કોણ કરે છે, નમૂના કોણ લે છે, નિયમભંગ સાબિત થાય તો કાર્યવાહી કોણ કરે છે અને તેનો અંતિમ અહેવાલ જાહેર થાય છે કે નહીં—આ પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ મળવો જોઈએ.

ગુજરાતમાં આવી ફરિયાદો અને અમલીકરણ અંગેના આંકડા મેળવવા એ આ તપાસનો મહત્ત્વનો આગળનો તબક્કો છે.

ગ્રાહક શું તપાસે? વેપારીએ શું તપાસવું?

ગ્રાહકો માટે

  • પેકેટ પર Jaivik Bharatનો લોગો અને લાગુ પડતી પ્રમાણન વ્યવસ્થાની વિગતો તપાસો.
  • FSSAI લોગો તથા લાઇસન્સ નંબર જુઓ.
  • જ્યાં શક્ય હોય ત્યાં પ્રમાણપત્રની માન્યતા અને ઉત્પાદનનું કાર્યક્ષેત્ર ચકાસો.
  • માત્ર “નેચરલ”, “ફાર્મ-ફ્રેશ” અથવા “કેમિકલ-ફ્રી” લખેલું હોય એટલે ઉત્પાદન પ્રમાણિત ઓર્ગેનિક છે એવું ન માનો.
  • રંગ, ચમક કે કદ જોઈને ઉત્પાદન ઓર્ગેનિક છે કે નહીં તે નક્કી ન કરો.B2B ખરીદદારો, પ્રોસેસરો અને નિકાસકારો માટે
  • પ્રમાણપત્રની માન્યતા, ઓપરેટરનું નામ અને ચોક્કસ ઉત્પાદન તપાસો.
  • સપ્લાયરના પ્રમાણપત્રમાં દર્શાવેલો વિસ્તાર અને ઉત્પાદન તમારા ખરીદીના માલ સાથે મેળ ખાય છે કે નહીં તે ચકાસો.
  • લાગુ પડતા ટ્રેસેબિલિટી દસ્તાવેજો, બેચ રેકોર્ડ અને જથ્થાની વિગતો મેળવો.
  • જોખમ પ્રમાણે સ્વતંત્ર નમૂના પરીક્ષણ અને સપ્લાયર ઓડિટની વ્યવસ્થા રાખો.
  • પ્રમાણપત્રની નકલને જ એકમાત્ર પુરાવા તરીકે ન સ્વીકારો.

FSSAIના માર્ગદર્શન મુજબ ગ્રાહકોએ Jaivik Bharat લોગો, FSSAI લોગો અને લાઇસન્સ નંબર તપાસવા જોઈએ. પ્રમાણન વ્યવસ્થા પ્રમાણે India Organic અથવા PGS-Indiaનું લોગો પણ લાગુ પડી શકે છે. સ્રોત: FSSAI FAQ

અંતિમ સવાલ: પ્રમાણપત્ર છે, પણ જવાબદારી કેટલી?

સિક્કિમની સફર બતાવે છે કે ઓર્ગેનિક ખેતી માટે લાંબા ગાળાની નીતિ, ખેડૂતોની ભાગીદારી અને સંસ્થાકીય સહાય જરૂરી છે. ગુજરાતના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં પણ નોંધપાત્ર વિસ્તાર પ્રમાણિત ઓર્ગેનિક ખેતી હેઠળ છે અને વધુ જમીન પરિવર્તન હેઠળ છે.

પરંતુ આ બંને હકીકતો એકબીજાના વિરોધાભાસી પુરાવા નથી. રાજ્યમાં પરંપરાગત ખેતી અને ઓર્ગેનિક ખેતી સાથે રહી શકે છે. સાચો સવાલ એ છે કે પ્રમાણિત ઉત્પાદનની ઓળખ કેટલી સ્પષ્ટ છે, નિરીક્ષણ કેટલું અસરકારક છે અને નિયમોનું ઉલ્લંઘન થાય તો કાર્યવાહી કેટલી પારદર્શક છે.

ગ્રાહક માટે ઓર્ગેનિક ખરીદવાનો નિર્ણય વિશ્વાસ પર આધારિત હોઈ શકે છે, પરંતુ એ વિશ્વાસ ચકાસી શકાય તેવી માહિતીથી મજબૂત થવો જોઈએ. વેપારીઓ માટે પણ પ્રમાણિત ઉત્પાદનનો દાવો માત્ર માર્કેટિંગનો મુદ્દો નથી; તે ખરીદી, ગુણવત્તા નિયંત્રણ, સપ્લાય ચેઇન અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે.

ઓર્ગેનિકનો સાચો અર્થ માત્ર પેકેટ પરના લોગોમાં નથી. તે ખેતરની પદ્ધતિ, પ્રમાણનની વિશ્વસનીયતા, ઉત્પાદનની ઓળખ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારીમાં છે.

Leave a Reply

I’m Haresh

Journalist: 38 years
Former Financial Express
Founder, MSME Briefing

MSME Briefing exists because India’s 63 million MSME business deserve serious analysis – not footnotes in mainstream business media.

Let’s connect

Discover more from MSME Briefing

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading