ગુજરાતની ડેટા સેન્ટર નીતિ: MSME માટે નવા દ્વાર ખૂલશે

MSME Briefing Bureau

AI કરતાં આગળ વધીને અનેક નાના મોટા ઉદ્યોગ માટે નવી તકો થશે ઉભી

પ્રત્યેક ઔદ્યોગિક ક્રાંતિ પાછળ કોઈ ને કોઈ પાયાની માળખાકીય વ્યવસ્થા રહી છે. એક સમયે કોલસો, પછી રસ્તા અને બંદરો વિકાસનો આધાર બન્યાં. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ અર્થતંત્રનો આધાર ડેટા સેન્ટર છે.

આ જ દિશામાં ગુજરાત સરકારે “વિકસિત ગુજરાત – ડેટા સેન્ટર પોલિસી 2026-29” જાહેર કરી છે. રાજ્યનું લક્ષ્ય ₹6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટ ક્ષમતા ધરાવતાં ડેટા સેન્ટર ઊભાં કરવાનું છે.

આ માત્ર IT ક્ષેત્રની નીતિ નથી. આ વીજળી, પાણી, બાંધકામ અને એન્જિનિયરિંગને સાંકળતી ઔદ્યોગિક નીતિ છે, જે ગુજરાતનાં હજારો MSME માટે નવા વેપારના દરવાજા ખોલી શકે છે.

ડેટા સેન્ટર એટલે શું?

ડેટા સેન્ટરને મોટા ભાગે માત્ર “સર્વર સ્ટોરેજ” ગણવામાં આવે છે. વાસ્તવમાં તે એક સંપૂર્ણ ઔદ્યોગિક સંકુલ છે, જેમાં સર્વર, નેટવર્ક, વીજ પુરવઠો, કૂલિંગ સિસ્ટમ, પાણી વ્યવસ્થા, સુરક્ષા અને ફાઇબર કનેક્ટિવિટી સતત કાર્યરત રહે છે. આથી તેનું નિર્માણ માત્ર IT કંપનીઓ પૂરતું મર્યાદિત રહેતું નથી.

સરકારનો વ્યૂહાત્મક હેતુ

ગુજરાત માત્ર ડેટા સંગ્રહ કેન્દ્ર નહીં, ભારતનું AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનવા માંગે છે. ધોલેરા SIR, ગિફ્ટ સિટી અને જામનગરમાં વિશાળ ડેટા સેન્ટર ક્લસ્ટર વિકસાવવાની યોજના છે, જ્યારે દરિયાકાંઠે સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મજબૂત બનશે.

સબસિડીનું ગણિત

નીતિમાં 20 વર્ષ સુધી પ્રતિ યુનિટ ₹1 વીજ સહાય, SGST અને વીજ શુલ્કની 100% પરત, સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણ મુક્તિ, મૂડી-વ્યાજ સહાય અને સિંગલ વિન્ડો મંજૂરીની જોગવાઈ છે. હેતુ માત્ર રોકાણ આકર્ષવાનો નહીં, લાંબા ગાળે સંચાલન ખર્ચ ઘટાડવાનો પણ છે.

MSME માટે તકોના ક્ષેત્રો

આ નીતિનો સૌથી મોટો લાભ ડેટા સેન્ટર બનાવનારી કંપનીઓ કરતાં તેમની સપ્લાય ચેઇનનો ભાગ બનતાં MSMEને મળી શકે છે:

  • સ્ટીલ ફેબ્રિકેશન અને સિવિલ કન્સ્ટ્રક્શન
  • ટ્રાન્સફોર્મર, સ્વીચગિયર અને ઇલેક્ટ્રિકલ પેનલ
  • HVAC અને પ્રિસિઝન કૂલિંગ સિસ્ટમ
  • ફાયર સેફ્ટી અને સુરક્ષા સાધનો
  • ફાઇબર ઓપ્ટિક અને નેટવર્કિંગ
  • સાઇબર સિક્યોરિટી અને ફેસિલિટી મેનેજમેન્ટ
  • લોજિસ્ટિક્સ અને ટેક્નિકલ મેનપાવર

પાણી અને ગ્રીન એનર્જીની તક

કૂલિંગ માટે મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે, તેથી કૅપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ માટે 20% મૂડી સહાય અથવા પ્રતિ MLD ₹2 કરોડ સુધીની સહાય મળશે. તેનાથી પંપ, વાલ્વ, પાઇપલાઇન, ફિલ્ટ્રેશન અને વોટર ઓટોમેશન સાથે જોડાયેલાં MSME માટે માંગ વધશે.

સાથે જ ઓછામાં ઓછી 51% વીજળી ગ્રીન એનર્જીમાંથી મેળવવી ફરજિયાત હોવાથી સોલાર, વિન્ડ, બેટરી સ્ટોરેજ અને પાવર મેનેજમેન્ટ ક્ષેત્રે પણ લાંબા ગાળાની તકો ઊભી થશે.

નિષ્ણાત મત અને ભાવિ દિશા

GESIA IT Associationના માનદ અધ્યક્ષ સત્યાર્થ શ્રીવાસ્તવના મતે, ગુજરાતની આ નીતિ દેશની સૌથી મજબૂત ડેટા સેન્ટર નીતિઓમાંની એક છે. તેમના મતે આગામી તબક્કે AI કમ્પ્યુટ ક્લસ્ટર, કૌશલ્ય વિકાસ અને MSME સપ્લાયર વિકાસ કાર્યક્રમ પર વધુ ધ્યાન અપાવું જોઈએ.

તારણ

આ નીતિને માત્ર IT યોજના તરીકે જોવી ભૂલભરેલું ગણાશે. આ વીજળી, પાણી, બાંધકામ, એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સને જોડતી ઔદ્યોગિક વ્યૂહરચના છે. જે MSME આજથી આ સપ્લાય ચેઇન સમજી તૈયારી શરૂ કરશે, તે જ ગુજરાતની ડિજિટલ અર્થવ્યવસ્થાના ભાવિ વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનશે.


Leave a comment

I’m Haresh

Journalist: 38 years
Former Financial Express
Founder, MSME Briefing

MSME Briefing exists because India’s 63 million MSME business deserve serious analysis – not footnotes in mainstream business media.

Let’s connect