ઉદ્યોગસાહસિકને પત્ર
બજાર બદલાય તે પહેલાં, બદલાવ માટે તૈયાર રહેવું જ સાચું નેતૃત્વ.
ગયા અઠવાડિયે મારી મુલાકાત એક મમરા બનાવતા લઘુ ઉદ્યોગના માલિક સાથે થઈ. વર્ષો સુધી મહેનત કરીને તેમણે પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે, ઉત્પાદન વધી રહ્યું છે, અને નફાનો વૃધ્ધિ દર સારો છે.
વાતચીતના અંતે મેં તેમને એક સરળ પ્રશ્ન પૂછ્યો.
“હવે આગળ વિસ્તરણનું શું આયોજન છે?”
તેમણે હસીને જવાબ આપ્યો:
“કોઈ યોજના નથી. હાલ જેટલો ધંધો છે, તેનાથી હું સંતુષ્ટ છું.”
તેમના જવાબમાં અહંકાર નહોતો, આત્મવિશ્વાસ હતો. પરંતુ પાછો ફરતો હતો ત્યારે મનમાં એક જ વિચાર વારંવાર આવતો રહ્યો.
શું કોઈ પણ સફળ વ્યવસાય માટે સૌથી મોટું જોખમ બાહ્ય પરીબળ નહી, પરંતુ ઉદ્યોગકારની પોતાની ‘સંતુષ્ટિ’ હોઈ શકે?
વ્યવસાયનો ઇતિહાસ એક વાત વારંવાર શીખવે છે.
બજાર ક્યારેય અગાઉથી ચેતવણી આપતું નથી.
એક દિવસ અચાનક કોઈ નવો સ્પર્ધક આવે છે. કદાચ તેની પાસે નવી ટેક્નોલોજી હોય, વધુ મૂડી હોય, વધુ સારી સેવા હોય અથવા માત્ર બજાર જીતવાની વધુ તીવ્ર ઇચ્છા હોય.
પછી ગ્રાહકો સરખામણી શરૂ કરે છે.
ઘણા ઉદ્યોગસાહસિકો ગર્વથી કહે છે,
“મારા ગ્રાહકોની વફાદારી દાયકાઓથી જીતી છે.”
આ વાત સાચી હોઈ શકે.
પણ એક સત્ય એ પણ છે કે ગ્રાહકની વફાદારી કાયમી સંપત્તિ નથી.
જેવો તેને વધુ સારો વિકલ્પ મળે છે, તેની વફાદારીમાં ઓટ આવવાનું શરૂ થાય છે.
આ જ કારણ છે કે કેટલીક કંપનીઓ દાયકાઓ સુધી વિકાસ કરતી રહે છે, જ્યારે કેટલીક ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઈ જાય છે.
તાજેતરના આંકડા પણ વિચારવા મજબૂર કરે છે.
ભારતમાં આશરે 8.7 કરોડ નોંધાયેલા MSME છે. પરંતુ તેમાંના માત્ર 1.73 લાખ જેટલા એકમો સીધા નિકાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આ નાનો વર્ગ મળીને દેશની કુલ માલ નિકાસમાં લગભગ 48.58 ટકા યોગદાન આપે છે.
તો પ્રશ્ન એ નથી કે ભારતીય MSME વિશ્વ બજારમાં સ્પર્ધા કરી શકે છે કે નહીં.
પ્રશ્ન એ છે કે આટલા ઓછા ઉદ્યોગકારોએ આ માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કર્યા હશે?
નિકાસ ક્ષેત્રની નિષ્ફળતા માટે ઘણીવાર દસ્તાવેજીકરણ, લોજિસ્ટિક્સ, નાણાંકીય મુશ્કેલીઓ અથવા નિયમોની જટિલતાને જવાબદાર ઠેરવીએ છીએ.
આ બધું સાચું છે.
પણ સંપૂર્ણ સત્ય નથી.
મારા અનુભવ મુજબ સૌથી મોટો અવરોધ બંદર પણ નથી.
તે તો આપણા પોતાના વ્યવસાયની અંદર છે.
દરરોજ ઉદ્યોગસાહસિકો મોડા પેમેન્ટ, કાર્યકારી મૂડી, કર્મચારીઓ, કાચા માલના ભાવ અને નિયમનકારી બાબતોમાં એટલા વ્યસ્ત રહે છે કે ભવિષ્ય માટે તૈયારી કરવાનો સમય જ મળતો નથી.
દૈનિક સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ણાત બની જાય છે.
પરંતુ આવતીકાલ માટે વ્યવસાય તૈયાર કરવામાં પાછળ રહી જઈએ છીએ.
તૈયારી માત્ર નવી મશીન ખરીદવાથી થતી નથી.
તે માટે જરૂરી છે—
ગુણવત્તાની સતત એકરૂપતા,
મજબૂત વ્યવસ્થાપન,
ડિજિટલ ઓળખ,
વ્યવસાયિક પ્રક્રિયાઓ,
નાણાંકીય શિસ્ત,
અને સતત શીખવાની સંસ્કૃતિ.
આ બધું મળીને વિશ્વાસ ઊભો કરે છે.
અને વિશ્વાસ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મોટી મૂડી છે.
આ લેખનો હેતુ દરેક MSMEએ નિકાસ કરવી જોઈએ એવો નથી.
હેતુ એટલો જ છે કે દરેક ઉદ્યોગસાહસિક પોતાને પાંચ પ્રશ્ન પૂછે.
જો આવતીકાલે તમારો સૌથી મોટો ગ્રાહક ચાલ્યો જાય તો શું થશે?
જો નવો સ્પર્ધક બજારમાં પ્રવેશે તો શું તમે તૈયાર છો?
શું તમે માત્ર મશીનોમાં રોકાણ કરો છો કે મેનેજમેન્ટ ક્ષમતામાં પણ?
શું તમે આજની સમસ્યાઓ ઉકેલો છો કે આવતીકાલના પડકારો માટે તૈયારી પણ કરો છો?
અને સૌથી મહત્વનો પ્રશ્ન…
શું તમે આજના બજાર માટે વ્યવસાય ચલાવો છો કે આવતીકાલના બજાર માટે વ્યવસાય તૈયાર કરો છો?
સંતુષ્ટ રહેવામાં કોઈ ખોટ નથી.
પરંતુ તૈયારી બંધ કરી દેવી સૌથી મોટું જોખમ બની શકે છે.
કારણ કે બજાર બદલાય છે.
ગ્રાહકો બદલાય છે.
સ્પર્ધા બદલાય છે.
અને જે ઉદ્યોગસાહસિક સમય પહેલાં બદલાવને સ્વીકારી લે છે, તે જ લાંબી દોડમાં આગળ રહે છે.
આ મહિના માટે મારો માત્ર એક જ પ્રશ્ન છે—
શું તમે સફળ વ્યવસાય ચલાવી રહ્યા છો… કે ભવિષ્ય માટે તૈયાર વ્યવસાય બનાવી રહ્યા છો?
— હરેશ બી. ઝાલા
એક્ઝિક્યુટિવ એડિટર
MSME Briefing









Leave a Reply